દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગથી ચાર મજૂરોનાં મોત, બે ગંભીર રીતે દાઝ્યા

October 31, 2026

દિલ્હીના બહારી વિસ્તાર મંગોલપુરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શુક્રવારે રાત્રે એક જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગોઝારી દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મંગોલપુરી ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1માં આવેલી પ્લોટ નંબર B-293/294 સ્થિત જૂતા બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર પરિસરમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. પરિણામે અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક મળી નહોતી અને તેઓ આગની લપેટમાં આવી ગયા હતા.

બીજી તરફ, બનાવની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની કામગીરી બાદ 6 લોકોને બેભાન અને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢીને નજીકની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ચારને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બેની સઘન સારવાર ચાલી રહી છે.