પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..' CJI બી.આર.ગવઇ

August 24, 2025

દિલ્હી : ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં કહ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવું બંધારણમાં સમાવિષ્ટ 'સેપરેશન ઑફ પાવર'ના સિદ્ધાંતને નબળી પાડે છે. બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, 'મને ગર્વ છે કે અમે કારોબારી તંત્રને ન્યાયાધીશ બનતા અટકાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. બંધારણ કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભા વચ્ચે સત્તાના વિભાજનને માન્યતા આપે છે. જો કારોબારી તંત્રને આ સત્તા આપવામાં આવે છે, તો તે બંધારણીય માળખાને ઊંડી નુકસાન પહોંચાડશે.'
ક્રીમી લેયર અને અનુસૂચિત જાતિમાં ઉપ-વર્ગીકરણ પર પોતાના વિવાદાસ્પદ નિર્ણયનો ઉલ્લેખ કરતા CJIએ કહ્યું કે, 'મારા આ નિર્ણયની મારા જ સમાજે ઘણી ટીકા કરી છે, પરંતુ હું હંમેશા માનુ છું કે, નિર્ણય જનતાની ઈચ્છા અથવા દબાણના આધારે નહીં પરંતુ કાયદો અને પોતાની અંતરાત્મા અનુસાર હોવો જોઈએ. મારા અમુક સહયોગીઓએ પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ મારો તર્ક સ્પષ્ટ હતો. મેં જોયું છે કે, અનામત વર્ગની પહેલી પેઢી IAS બને છે, પછી બીજી અને ત્રીજી પેઢી પણ એ અનામતનો લાભ લે છે. શું મુંબઈ અથવા દિલ્હીની સર્વશ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરનાર, તમામ સુવિધા ભોગવનાર બાળક જિલ્લા કે ગામડાની શાળામાં અભ્યાસ કરતા મજૂર બાળકની બરાબર કેવી રીતે હોય શકે? બંધારણનો અનુચ્છેદ 14 તમામ માટે એકસમાન વ્યવહાર નથી. બંધારણ અસમાનતા સમાન બનાવવા માટે અસમાન વ્યવહારની વકાલત કરે છે. એક ચીફ જસ્ટિસનો બાળક, જે સર્વશ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરે અને એક સામાન્ય શ્રમિકનો બાળક જે મર્યાદિત સંસાધનોમાં અભ્યાસ કરે છે, તેમની તુલના કરવી એ બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે.'