અભિનેત્રી જયા પ્રદા ફરાર જાહેર, પોલીસ શોધીને કોર્ટમાં હાજર કરશે

February 28, 2024

મશહૂર અભિનેત્રી અને રામપુરનાં પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે આખરે ફરાર જાહેર કરી દીધી છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર જયા પ્રદા પર આચારસંહિતા ભંગના બે કેસ રામપુરમાં દાખલ કરાયા હતા. આ કેસની સુનાવણી રામપુરની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી છે.

છેલ્લી ડઝનબંધ મુદતોમાં જયા પ્રદા કાર્ટમાં હાજર થઈ નથી અને કોર્ટે વારંવાર તેને કોર્ટમાં હાજર રહેવાના સમન મોકલ્યા છે. સમન બાદ તેના વિરુદ્ધ વોરંટ અને પછી બિનજામીનપાત્ર વોરંટ પણ કાઢવામાં આવ્યો હતો. આમ છતાં, જયા પ્રદા કોર્ટમાં હાજર થઈ નથી.

કોર્ટે જયા પ્રદા સામે સાત વાર બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. ત્યાર બાદ કોર્ટે પોલીસ અધિક્ષક રામપુરને વારે વારે લખીને જયા પ્રદાને રજૂ કરવાના આદેશ આપ્યા હતા, તોપણ તે હાજર નથી થઈ. કોર્ટે હવે આકરું વલણ અખત્યાર કર્યું છે. કોર્ટે કડક વલણ અપનાવતાં પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ફરાર જાહેર કરી દીધી છે.