600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે

August 29, 2026

નેપાળમાં તાજેતરમાં આવેલી ભયાનક પૂરની તબાહી વચ્ચે વધુ એક મોટું સંકટ ઊભું થયું છે. ચીને નેપાળને સત્તાવાર ચેતવણી આપતાં જણાવ્યું છે કે લ્હેંડે નદીના ઉપરના ભાગમાં કાટમાળ જમા થવાથી બનેલું કુદરતી સરોવર ગમે ત્યારે ફાટી શકે છે. ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર, આ તળાવના પાણીનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે. જેને ગંભીર ભયનો સંકેત માનવામાં આવે છે. જો આ તળાવ તૂટશે તો નદીમાં પાણીનો પ્રવાહ મહત્તમ 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. ચીને ડ્રોન અને સેટેલાઇટ દ્વારા આ સમગ્ર વિસ્તાર પર નજર રાખીને નેપાળના વિદેશ મંત્રાલય સાથે મહત્ત્વપૂર્ણ વિગતો શેર કરી છે. આ સરોવર ચીન તરફ ચોચેન નદી અને નેપાળ તરફ પુરેપુ નદીના સંગમ નજીક બન્યું છે. તાજેતરમાં નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ દરમિયાન ગ્લેશિયર તૂટી પડતાં જંગી માત્રામાં કાટમાળ નીચે આવ્યો હતો. આ મલબાના કારણે નદીનો કુદરતી પ્રવાહ રોકાઈ ગયો હતો અને પાછળ પાણી ભરાતાં એક કુદરતી બંધ અને સરોવર તૈયાર થઈ ગયું હતું. શુક્રવાર સુધીમાં આ તળાવમાં આશરે 25 લાખ ઘન મીટર પાણી એકત્ર થઈ ચૂક્યું હતું. ચીને બનાવેલા ફ્લડ મોડેલના આંકડા અનુસાર, જો આ કુદરતી બંધનો અમુક ભાગ તૂટી પણ જાય તોપણ પાણી નદીના કિનારા સુધી જ મર્યાદિત રહેવાની શક્યતા છે, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે જોખમ ઊભું થઈ શકે છે. શુક્રવારથી જ આ સરોવરનું પાણી લ્હેંડે ખોલા અને ત્રિશૂલી નદીઓમાં વહેવાનું શરૂ થઈ ગયું હતું. નેપાળ અગાઉથી જ પૂર અને ભૂસ્ખલનની વિનાશક હોનારતનો સામનો કરી રહ્યું છે. બુધવારે આવેલી જળપ્રલયની હોનારતમાં અત્યાર સુધીમાં 626 લોકોના મોત નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તિબેટમાં પણ 7 લોકોના મોત થયા છે. હજુ પણ અનેક લોકો લાપતા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. આવા સમયે જો લ્હેંડે નદી પર બનેલું આ સરોવર ફાટશે તો નેપાળ માટે બચાવ કામગીરી અને રાહત કાર્યો વધુ મુશ્કેલ બની જશે.