મોહનથાળ બાદ હવે શ્રીફળનો વિવાદઃ પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ

March 14, 2023

હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બંધ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છે ત્યારે હવે પાવાગઢ મંદિરેથી પણ ટ્રસ્ટ દ્વારા લેવાયેલા વિવાદાસ્પદ નિવેદનના લીધે વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટનો વિવાદાસ્પદ નિર્ણય સામે આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે. મંદિરમાં છોલેલું નારિયેળ લઈ જવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરના નિર્ણયથી વેપારીઓ અને શ્રદ્ધાળુઓ પરેશાન થયા છે. આ સાથે ટ્રસ્ટે એમ પણ કહ્યું કે જો વેપારીઓ છોલેલું નારિયેળ વેચશે તો પણ તેમને દંડ કરવામાં આવશે. જો કે કેટલો દંડ કરવામાં આવશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સિવાય એવું પણ કહેવાયું છે કે માતાજીને આખું નારિયેળ ધરાવીને ઘરે લઈ જવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે.