ઉત્તરાખંડ બાદ હવે હરિયાણામાં પણ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરાશે

July 19, 2025

ઉત્તરાખંડ બાદ હવે હરિયાણામાં પણ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરાશે. હરિયાણાની તમામ શાળામાં પ્રાર્થના સમયે વિદ્યાર્થીઓ ભગવદ ગીતાના શ્લોકનો પાઠ કરશે. જેની શરૂઆત 17 જુલાઇથી કરી દેવામાં આવી છે. હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડે આ સંદર્ભમાં રાજ્યની તમામ શાળાઓ માટે સૂચનાઓ આપી છે. 

આ અંતર્ગત હરિયાણાની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સભા શ્રીમદ્ભવત ગીતાના શ્લોકોના પાઠથી શરૂ થશે. આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડના ચેરમેન ડૉ. પ્રો. પવન કુમારે રાજ્યના તમામ સ્કૂલના વડાઓને પત્ર લખીને આ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગીતાના શ્લોકોનો અભ્યાસ પણ જરૂરી છે. 

આ પહેલ આજે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડ કેમ્પસમાં સ્થિત સર્વપલ્લી રાધાકૃષ્ણન લેબ સ્કૂલથી શરૂ કરવામાં આવી હતી, જ્યાં બાળકોએ પ્રાર્થના સભામાં ગીતાના શ્લોકોનું પાઠ કર્યું હતું. આ પ્રસંગે ગીતા વિદ્વાન સ્વામી જ્ઞાનાનંદે ઓનલાઈન માધ્યમથી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.