કેનેડામાં અમદાવાદના વિદ્યાર્થીનું મોત:ચાલીને જતો હતો ત્યારે કારે હડફેટે લીધો

July 24, 2023

કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્સિલ પટેલનું કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો છે. વર્સિલની બોડી ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રોએ ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકઠા થઈ ગયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે. વર્સિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર ટહેલ નાખી છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે, જેથી વર્સિલનાં પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. પોલીસે આ કેસમાં એક કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે.

વર્સિલ બેરી ખાતે 21 જુલાઈ 2023ના રોજ રાતે 10.15 વાગ્યે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો હતો. તેના મૃતદેહને ભારત લઈ જવામાં 30,000 ડોલરનો ખર્ચ આવી શકે છે. આ માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું પછી અત્યાર સુધીમાં 21,177 કેનેડિયન એકઠા થઈ ગયા છે અને આશરે 9000 ડોલરની હજુ જરૂર છે.

રાજન પટેલે જણાવ્યા પ્રમાણે વર્સિલ બેરી ખાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. તેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી જે તેના મૃત્યુનું કારણ બની હતી. કેનેડાના ઓન્ટારિયો ખાતે બેરી શહેરના લોકલ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે 21 જુલાઈએ રાતે 10.15 વાગ્યે એક કારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાના અનુસંધાને એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે.