કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ

April 28, 2025

વેનકુવર: કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે ૮ઃ૧૫ વાગ્યે ફ્રેઝર વિસ્તારમાં લાપુ લાપુ ડે ફેસ્ટિવલ દરમિયાન બની હતી. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સાંજે વેનકુવરના સનસેટ ઓન ફ્રેઝર પર ફિલિપિનો સમુદાય ભેગો થયો હતો. આ દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પીએમ માર્ક કાર્નીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને તેમની સોમવારની ચૂંટણી સભાઓ રદ્દ કરી હતી. તેમણે કહ્યું કે, આ ભયાનક હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 

હુમલા બાદના વિડીયોમાં વેનકુવરની સાંકડી ગલીઓમાં ફૂડ ટ્રક્સની નજીક મૃત અને ઘાયલ લોકોને જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે, ૩૦ વર્ષીય વેનકુવર નિવાસીને ઘટનાસ્થળેથી ઝડપી લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે. જેમાં, બ્લેક હૂડી પહેરેલા આરોપી યુવાનને પોલીસે પકડયો છે. બીજી તરફ, આસપાસના લોકો તેને ગાળો બોલી રહ્યાં છે.