એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે

July 20, 2025

અમદાવાદ- સામાન્ય રીતે કોઈ શહેરનો સવારનો સમય વધુ શુદ્ધ અને તાજગી ભર્યો હોય. ખુશનુમા વાતાવરણમાં લોકો શહેરના જાહેર રસ્તા પર આવીને જોગીંગ અને વોકિંગ જેવી પ્રવૃત્તિ કરતાં જોવા મળે, પરંતુ કેટલાંક સમયથી અમદાવાદનું સવારનું વાતાવરણ પણ વોકિંગ કે જોગિંગ કરી શકાય તેવું તંદુરસ્ત રહ્યું નથી. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં છેલ્લા 5 મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે છે.   

અમદાવાદનું સવારનું વાયુ પ્રદૂષણ પીક અવર્સની જેમ જ નબળું થતું જાય છે. શાળાની બસો અને કોલેજોએ જતાં વાહનો   સાથે રોડ રસ્તાની ધૂળનું પ્રમાણ એટલું વધી ગયું છે જેના કારણે પાર્ટિક્યૂલેટ મેટર 2.5 અને 10 બંનેનું પ્રમાણ અમદાવાદના વાતાવરણમાં સવારના 6 વાગ્યાથી જ નબળા સ્તરે નોંધાય છે. હાલમાં અમદાવાદનું એર ક્વાલિટી ઈન્ડેક્સમાં પાર્ટિક્યૂલેટ મેટર 25 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર છે. જ્યારે 19મી જુલાઈના રોજ હવાના રેતના કણો 62 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર નોંધાયા છે જે સામાન્ય 50 કરતાં નીચે હોવા જોઈએ, પરંતુ વધુ જોખમી સ્તરે છે. 


અમદાવાદ પાસેના ગ્યાસપુરમાં સવારના પ્રદૂષણના પ્રમાણમાં 134 માઈક્રોગ્રામ ક્યૂબિક મીટરની ભયજનક સપાટીનું જોવા મળ્યું હતું. પ્રદૂષણનો ડેટા જોતાં નબળી એર ક્વાલિટી સાથે સાથે મોટા વાહનો સાથે ઉડતી ધૂળ દ્વીચક્રી વાહન ચાલકો અને રોડ પર જતાં લોકો માટે મોટી દુશ્મન છે. જે અસ્થમા અને નબળા ફેફસાં ધરાવતાં લોકો માટે વધુ જોખમી છે. જે વિસ્તારોમાં વધુ પ્રમાણમાં બાંઘકામો ચાલી રહ્યા છે, ત્યાં ધૂળનું પ્રમાણ વધતાં પીએમ 10 પાર્ટિક્યૂલેટ મેટરનું પ્રમાણ સવારના પહોરમાં 100 માઈક્રોગ્રામ પર ક્યૂબિક મીટર પણ વધુ જતાં ટુ વ્હીલર ચાલકોને પણ સવારના પહોરમાં માસ્ક પહેરવાનો વારો આવે છે.