પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ

July 27, 2025


પાનમ ડેમ ઓવરફ્લો, બે દરવાજા 4 ફૂટ ખોલ્યા, પાનમ નદીમાં પાણી છોડાતાં 28 ગામોને એલર્ટ

પંચમહાલ : રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરા તાલુકાના પાનમ ડેમના બે દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેથી 10,161 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ ડેમમાં 24,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

રાજ્યમાં બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે પંચમહાલમાં પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને લઈને પાણીની સતત આવક થઈ રહી છે. તેવામાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.


પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારમાં આવેલા 28 જેટલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરા તાલુકાના કોઠા, મોર, ઉંડારા, રમજીની નાળ અને બલુજીના મુવાડા સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 28 જેટલા અસરગ્રસ્ત ગામોના રહીશોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.