ઓલ ટાઇમ હાઈ GOLD:63,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ, ચાંદી પણ 77 હજાર રૂપિયાને પાર

December 04, 2023

નવી દિલ્હી : સોનું આજે એટલે કે સોમવારે (4 ડિસેમ્બર) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું રૂ. 1,077 મોંઘુ થઈ ગયું છે અને તે રૂ. 63,805માં વેચાઈ રહ્યું છે. અગાઉ 1 ડિસેમ્બરે સોનાએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. ત્યારે તેની કિંમત 62,728 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને સોનાની માગ વધવા લાગી છે. આ સિવાય ચીનના રહસ્યમય રોગથી પણ લોકો ડરી રહ્યા છે. તેનાથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આગામી એક વર્ષમાં સોનું 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

2024માં વિશ્વવ્યાપી મંદીનો ભય
લોકો ચીનના રહસ્યમય રોગથી ડરે છે
લગ્નસરાની સિઝનને કારણે સોનાની માગ વધી છે
ડૉલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે
વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે
ચાંદી પણ 77 હજારને પાર
ચાંદીમાં પણ આજે અદભૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. તે રૂ. 673 મોંઘી થઇ છે અને રૂ. 77,073 પ્રતિ કિલોએ પહોંચી છે. આ પહેલા તે 76400 રૂપિયા હતી. નવેમ્બરમાં પણ તેમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી.

નવેમ્બરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો
છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 1 નવેમ્બરે સોનાની કિંમત 60,896 રૂપિયા હતી, જે હવે 62,607 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં રૂ. 5,109નો વધારો થયો છે. નવેમ્બરના પ્રથમ દિવસે તે રૂ. 70,825 પર હતો, જે હવે રૂ. 75,934 પ્રતિ કિલોએ પહોંચી ગઇ છે.