RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો

April 09, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉરની શરૂઆત કરતાં આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેતાં રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આ જાહેરાત સાથે જ રેપો રેટ હવે 6.25% થી ઘટીને 6 % થઈ ગયો છે.   એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. આ માહિતી આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરીને સૌને ચોંકાવી દીધા છે. અગાઉ 2024-25ની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ આ રીતે જ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. ત્યારે 6.50% થી રેપો રેટને ઘટાડીને 6.25% પર લાવી દેવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. 

રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાંડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે.