સોનામાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી

May 12, 2025

શેરબજારમાં આકર્ષક ઉછાળો અને ડોલર ઈન્ડેક્સમાં પણ નજીવા ઉછાળાના પગલે કિંમતી ધાતુ બજારની તેજીને બ્રેક લાગ્યો છે.  એમસીએક્સ સોનું આજે 2.66% અર્થાત રૂ. 2500 પ્રતિ 10 ગ્રામ સુધી તૂટ્યુ છે. જ્યારે એમસીએક્સ ચાંદી રૂ. 500થી વધુ તૂટી છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, યુક્રેન-રશિયા પણ શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો છે. અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું છે. જેથી બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન પરિબળોના પગલે સોનામાં કરેક્શનની શક્યતાઓને નકારી શકાય નહીં.

એમસીએક્સ ખાતે આજે 5 જૂનનો સોનાનો વાયદો ઘટાડા તરફી ખૂલ્યા બાદ 11.19 વાગ્યે 2557 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યો હતો. જે 93961 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યો હતો. ચાંદી રૂ. 463 પ્રતિ કિગ્રા તૂટી 96266 (4 જુલાઈ વાયદો) પર ટ્રેડ થઈ રહી હતી. વૈશ્વિક સોનું 67.20 ડોલર તૂટી 3276 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું. 

અમદાવાદમાં સોનું રૂ. 3000 સસ્તું થયું

અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનુ તેની રેકોર્ડ ટોચ રૂ. 1,01,500થી રૂ. 3000 સસ્તું થયું છે. શનિવારે ભાવ રૂ. 98500 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. ચાંદી ચોરસા રૂ. 96500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. ગત સપ્તાહમાં જ સોનાના ભાવમાં રૂ. 2000નો ઘટાડો જોવા મળ્યો છે. આજે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનું વધુ ઘટી રૂ. 97000-97500 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ શકે છે.