સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક, રોકાણકારોને 16.11 લાખ કરોડની ધૂમ કમાણી

May 12, 2025

સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો મળતાં શેરબજારમાં આજે ધૂમ તેજી નોંધાઈ છે. સેન્સેક્સે 3000 પોઈન્ટ, જ્યારે નિફ્ટીએ 900 પોઈન્ટના રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો છે. રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થતાં મૂડીમાં રૂ. 16.11 લાખ કરોડનો વધારો થયો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દૂર થતાં સ્થાનિક રોકાણકારોના બાયિંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે પણ સફળ ટ્રેડ ડીલના કારણે વિદેશી રોકાણકારોએ પણ લેવાલી નોંધાવી છે. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જે છેલ્લા ચાર વર્ષમાં બીજો સૌથી મોટો ઉછાળો છે. અગાઉ 1 ફેબ્રુઆરી, 2021ના રોજ બંને ઈન્ડાઈસિસ ઈન્ટ્રા ડે 4.7 ટકાથી વધુ ઉછળ્યા હતા.  સેન્સેક્સ 1300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રાડે 3041.5 પોઈન્ટ ઉછળી 82495.97ના હાઈ લેવલે પહોંચ્યો હતો. જે અંતે 3.33 વાગ્યે 2975.43 પોઈન્ટના ઉછાળે 82429.90 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 916.70 પોઈન્ટ ઉછાળા સાથે 24924.70 પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં આજે આઈટી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વૉર, ડોલરમાં કડાકાના કારણે કરેક્શન મોડમાં ચાલી રહેલા આઈટી સ્ટોકમાં નીચા મથાળે ખરીદી વધી છે. આ ખરીદી પાછળનું કારણ ટેરિફમાં રાહત છે. અમેરિકા અને ચીને એકબીજા પર ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેનાથી અન્ય દેશોને પણ ટેરિફમાં રાહત મળવાની શક્યતાઓ વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા શેર્સમાં અનેકગણા વોલ્યૂમના પગલે આઈટી ઈન્ડેક્સ 6.75 ટકા ઉછળ્યો છે. એલએન્ડટી 6.50 ટકા, વિપ્રો 6.41 ટકા, ઈન્ફોસિસ 7.91 ટકા, ટીસીએસ 5.17 ટકા ઉછાળે બંધ રહ્યો છે. 

બેન્કિંગ, આઈટી, પાવર શેરોમાં નીચા મથાળે મબલક ખરીદી જોવા મળી છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4248 શેર પૈકી 3540 શેર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. 568 શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજે 506 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 110 શેર વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. 48 શેર 52 વીક લો અને 185 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી.