જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત, વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ

August 30, 2025

ભારતના ઉત્તરભાગમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. ઉત્તરકાશી, મનાલી, કિશ્તવાડ બાદ રામબનમાં વાદળફાટતા ભારે તબાહી સર્જાઈ. વાદળ ફાટવાના કારણે ફરી એકવાર અચાનક પૂર આવ્યું. રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારના ઉપરના વિસ્તારોમાંથી પાણીનો ધસમસતા પ્રવાહથી લોકોના ઘરોમાં પાણી ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં 3 લોકોનો મોત થયા છે જયારે 10થી વધુ લોકો ગુમ થયા હોવાની શંકા છે. વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

રામબનમાં વાદળ ફાટતા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરથી આવતા પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકોના ઘરોમાં પાણી ભરાવા તેમજ તિરાડ પડી છે. કેટલાક મકાનનો અડધો ભાગ તૂટી ગયો છે. કુદરતી આફતના કહેરથી બચવા સ્થાનિકોએ મહામુસીબતે પોતાને બચાવવા સુરક્ષિત સ્થાન શોધી રહ્યા છે. દરમિયાન ગંભીર પરિસ્થતિને પગલે વહીવટીતંત્ર બચાવકાર્ય શરૂ કરતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કામચલાઉ રાહત કેન્દ્રો સ્થાપિત કર્યા છે અને NDRFની ટીમોએ ગુમ થયેલા લોકોને શોધખોળની કામગીરી હાથ ધરી છે.

એક અધિકારીએ કહ્યું કે અમે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.  આગામી સમયમાં મોટા નુકસાનને રોકવા સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે હવામાન વિભાગની ચેતવણીને પણ ધ્યાનમાં લેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઉત્તરીય ભાગમાં ભારે વરસાદનું જોર રહેશે. સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. ભૂસ્ખલન અને વાદળફાટવાની ઘટનાને લઈને ચેતવણી આપવામાં આવી છે.