ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં હુથી વડાપ્રધાનનું મોત, અનેક મંત્રીઓના પણ જીવ ગયા

August 30, 2025

સના : યમનની રાજધાની સનામાં હુથી-નિયંત્રિત સરકારના વડાપ્રધાન અહેમદ અલ-રહાવીનું ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયું હતું. બળવાખોર સશસ્ત્ર જૂથ હુથીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા હુમલામાં અલ-રાહવી અન્ય ઘણા મંત્રીઓ સાથે માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે અધિકારીઓ છેલ્લા એક વર્ષમાં સરકારના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક વર્કશોપમાં ભાગ લઈ રહ્યા હતા.


ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં ઓપરેશન "ડ્રોપ ઓફ લક" હાથ ધર્યું હતું. મળતી માહિતીના આધારે, હુથી લશ્કરી અને રાજકીય નેતાઓ તેમના નેતાઓ સનામાં એકઠા થયા હતા. આ દરમિયાન ઇઝરાયલી જેટ્સે 2,000 કિમી સુધી ઉડાન ભરીને ઓછામાં ઓછા 10 સચોટ દારૂગોળાઓથી ઇમારત પર હુમલો કર્યો હતો.


સૂત્રોના અનુસાર, લગભગ 15 ટોચના હુથી અધિકારીઓ માર્યા ગયા, જેમાં જૂથના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અલ-ઓમારીનો પણ સમાવેશ થાય છે. IDF હાલ હુમલામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. આ ઇઝરાયલના અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે.