ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો, કોર્ટે ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે આપ્યો મોટો ચુકાદો

August 30, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યા બાદ હવે ટ્રમ્પના ફાસ્ટટ્રેક ડિપોર્ટેશનની આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે, 'ટ્રમ્પનો આ નિર્ણય અપ્રવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.'  વોશિંગ્ટન ડીસીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જિયા કોબે કહ્યું કે, 'જાન્યુઆરીમાં ટ્રમ્પ સરકારે અપ્રવાસીઓને તગેડી મૂકવાની શરૂઆત કરી હતી. આ હેઠળ અપ્રવાસીઓને ગમે ત્યાંથી પકડી લેવામાં આવી રહ્યા હતા. અગાઉ પણ અપ્રવાસીઓની ઓળખ કરીને તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવતા પણ જાન્યુઆરી બાદ આ પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. જે લોકો પાસે અમેરિકની નાગરિકતા નથી અને ન તો તેમની પાસે કોઈ પુરાવા છે કે તે 2 વર્ષથી અમેરિકામાં રહે છે એવા લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે.' અપ્રવાસીઓના અધિકારો પર ભાર મૂકતા જસ્ટિસ કોબે કહ્યું કે, 'પાંચમા સુધારા હેઠળ અપ્રવાસીઓને પણ અધિકારો મળ્યા છે. પરંતુ ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી તેમની સ્વતંત્રતાને ઘેરો આઘાત લાગ્યો છે. દરેક વાતની અવગણના કરવી ફક્ત અપ્રવાસીઓને કોઈપણ રીતે દેશમાંથી કાઢી મૂકવા પર ફોકસ કરવું યોગ્ય નથી.' અમેરિકાની કોર્ટના નિર્ણય પર ટ્રમ્પ સરકારે સ્ટે આપવા વિનંતી કરી હતી. ટ્રમ્પ સરકાર કહે છે કે, 'અમે આ મામલે સુપ્રીમ કોર્ટ જઈશું પણ ડિસ્ટ્રિક્ટ જજે આ મામલે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.' ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાની એક સંઘીય કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો.