ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો

August 30, 2025

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલા પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. શુક્રવારે (29મી ઓગસ્ટ) મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનામાં ઘણા ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત 50થી વધુ પશુઓ તણાયા હતા અને લગભગ 50 ટકા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ દુર્ઘટનાનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, તેમને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  અહેવાલો અનુસાર, બાગેશ્વરના પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. વાદળ ફાટવાના કારણે પાણી અને કાટમાળ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગુમ થયા છે. કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય સુરેશ ગડિયાને વરસાદી પાણીના વહેણમાંથી પસાર થવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી SDRF જવાનોએ દોરડાની મદદથી ધારાસભ્યને વહેણ પાર કરવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ધારાસભ્યનો સિક્યોરિટી તેમને પકડવા માટે આગળ વધ્યો, પરંતુ તેનો પગ લપસી ગયો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હતો. લોકોએ તેને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ પ્રવાહ એટલો જોરદાર હતો કે સિક્યોરિટી તણાયો હતો.