ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પેન્શન માટે કર્યુ અપ્લાય

August 30, 2025

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજીનામુ આપતા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ છે પેન્શન. તેમણે પોતાના પેન્શન માટેની અરજી કરતા ચર્ચામાં આવ્યા છે. તેમણે રાજસ્થાન વિધાનસભામાં પેન્શનને લઇને અરજી કરી છે. મહત્વનું છે કે જગદીપ ધનખડ 1993માં કોંગ્રેસની ટિકિટ પર અજમેર જિલ્લાની કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય હોવાથી તેમને હવે વિધાનસભામાંથી પેન્શન મેળવવાનો અધિકાર છે.

જગદીપ ધનખડ હાલમાં 74 વર્ષના છે. નિયમો અનુસાર તેમને રાજસ્થાન વિધાનસભામાંથી લગભગ 42 હજાર રૂપિયા માસિક પેન્શન મળશે. રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ અને ટ્રિપલ પેન્શનની જોગવાઈ છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને રહી ચૂક્યો હોય, તો તે બંને પદો માટે પેન્શન મેળવી શકે છે. આ જ કારણ છે કે ઘણા પૂર્વ નેતાઓ એક સાથે અલગ અલગ પદોનું પેન્શન લે છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પુષ્ટિ કરી છે કે ધનખડની પેન્શન અરજી વિધાનસભાને મળી ગઈ છે અને પ્રક્રિયા ચાલુ છે.

નોંધનીય છે કે જગદીપ ધનખડે તાજેતરમાં અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. 21 જુલાઈના રોજ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને પોતાના રાજીનામાની માહિતી આપી હતી. પોતાના પત્રમાં તેમણે સ્વાસ્થ્યને રાજીનામાનું કારણ ગણાવ્યું હતું. આ પગલાથી દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે તેમનો કાર્યકાળ હજુ બાકી હતો.