પ્રયાગરાજમાં પતિ, પત્ની ઔર વોહ-ટુના શૂટિંગ વખતે મારામારી

August 30, 2025

મુંબઈ : આયુષમાન ખુરાના તથા સારા અલી ખાનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટુ'નાં પ્રયાગરાજમાં ચાલી રહેલાં શૂટિંગ વખતે મારામારી થઈ હોવાના કેટલાક વિડીયો વાયરલ થયા છે. મારામારી કયા મુદ્દે થઈ તે જાણવા મળ્યું નથી. શૂટિંગ દરમિયાન કોઈ બાબતે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે ફિલ્મની ટીમ પર હાથ ઉપાડયો હતો એમ કહેવાય છે. એક વિડીયો અનુસાર ફિલ્મના કેટલાક ક્રુ મેમ્બર્સ સાથે સ્થાનિક લોકો જીભાજોડી કરી રહ્યા છે અને બાદમાં તેઓ ક્રૂ મેેમ્બર્સને ફટકારતા હોય તેવું જોવા  મળે છે. એક કાર સીકવન્સનાં શૂટિંગ વખતે આ મારામારી થઈ હતી. એક દાવા  અનુસાર ફિલ્મના દિગ્દર્શકને પણ માર મારવામાં આવ્યો હતો.  બીજી તરફ કેટલાક સ્થાનિક નાગરિકો વચ્ચે પણ પડયા હતા અને તેમણે તોફાનીઓને અટકાવવા  પ્રયાસ કર્યો હતો.  જોકે, આ તમામ દાવાઓ અંગે ફિલ્મની ટીમ દ્વારા સત્તાવાર રીતે કશું જ જણાવાયું નથી. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના ઉપરાંત સારા અલી ખાન તથા વામિકા ગબ્બીની પણ ભૂમિકા છે.