બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ

August 30, 2025

બનાવટી ડિઝાઇનર વસ્ત્રોની તરકટી આયાત-નિકાસ કરી મની લોન્ડરિંગ કરનારાં 57 વર્ષના ભારતીય મૂળના આરિફ પટેલને 90 મિલિયન પાઉન્ડની રકમ પરત કરવાનો આદેશ ગુરૂવારે ચેસ્ટર ક્રાઉન કોર્ટે આપ્યો હતો. આ રકમ વસૂલ કરવા માટે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ તેની સંપત્તિને વેચી શકશે. અગાઉ યુકેમાં કરચોરી કરવા બદલ એપ્રિલ 2023માં આરિફ પટેલને તેની ગેરહાજરીમાં ખટલો ચલાવી વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જુલાઇ 2011 માં દુબઇ નાસી ગયેલો આરિફ પટેલએ પછી કદી યુકે પાછો ફર્યો નથી.

ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર એડ્રિયાન ફોસ્ટરે જણાવ્યું હતું કે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ-સીપીએસ-હીઝ મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ -એચએમઆરસી તથા લેન્કેશાયર પોલીસે એકમેક સાથે સહકાર સાધી એવી જડબેસલાક વ્યવસ્થા કરી છે કે આરિફ પટેલ તેના બનાવટી વસ્ત્રોના કૌભાંડ અને ખોટાં વેટ ક્લેઇમ દ્વારા મેળવેલાં નાણાં પોતાની પાસે ન રાખી શકે. આરિફ પટેલે 90 મિલિયન પાઉન્ડથી વધારે રકમ પરત કરવી જ પડશે અથવા તેની મૂળ કેદની સજામાં વધારો કરવામાં આવશે. સીપીએસ દ્વારા કોન્ફિસિકેશન ઓર્ડર મેળવવામાં આવ્યો હોઇ તેની પાસેથી લેણી નીકળતી રકમ પરત મેળવવા તેની સંપત્તિને વેચી શકાશે.

યુકેના પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર પટેલ અને તેની 26 જણાંની ટોળકીએ કાપડની તથા મોબાઇલ ફોન્સની બનાવટી નિકાસ બતાવી બનાવટી વેલ્યુએડેડ ટેક્સ-વેટ-દ્વારા બ્રિટિશ સરકાર પાસેથી 33.4 મિલિયન પાઉન્ડ તફડાવી લીધાં હતા. તેમણે ખોખાં કંપનીઓની ચેઇન બનાવી 19.19 મિલિયન પાઉન્ડના બનાવટી ડિઝાઇનર્સ વસ્ત્રોની આયાત કરી તેનું વેચાણ દર્શાવ્યું હતું. આ રીતે મેળવેલાં નાણાં દ્વારા ઓફશોર બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાંથી પ્રેસ્ટન અને લંડનમાં સંપત્તિઓ ખરીદવામાં આવી હતી તેમ સીપીએસે જણાવ્યું હતું.