આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી

August 30, 2025

આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ઉમરેઠમાં ધોધમાર વરસાદથી ઘરમાં પાણી ભરાયા છે અને લોકોની ઘરવખરી પલળી ગઈ છે, ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને વહેલી સવારથી આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે, વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, કોલેજ રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે અને વાસદ ચોકડી, આણંદ ચોકડી પર પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે પાંચવડ, રાજા મહોલ્લા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.

આણંદ શહેરમાં પણ ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે સાથે આણંદ શહેરના તમામ તળાવોમાં નવા નીરની આવક થઈ છે, આણંદમાં ભારે વરસાદના કારણે ઘણા વાહનો પણ પાણીમાં બંધ થયા હતા, સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો તો મોટી કરવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે, ઘણી જગ્યાએ ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે બહાર આવ્યા છે જેના કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે.