'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ...' પુતિનનું મોટું નિવેદન

August 30, 2025

ચાઈના પ્રવાસે રવાના થતા પહેલા પુતિને એક ઈન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે. તેમણે ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધો સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. પુતિને શી જિનપિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી. તેમજ પુતિન ચીનના તિયાનજિનમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન અને બેઇજિંગમાં ચીનના વિજય દિવસ સમારોહમાં ભાગ લેશે. પુતિને જણાવ્યું કે, 'રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. તેમણે શી જિનપિંગની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ દ્રઢ ઇચ્છાશક્તિ, વ્યૂહાત્મક દૃષ્ટિ અને રાષ્ટ્રીય હિતો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા ધરાવતા એક સાચા નેતા છે, જે આ પડકારજનક સમયમાં ચીનના નેતૃત્વ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.' પુતિને વધુમાં જણાવ્યું કે, 'BRICS માળખા હેઠળ રશિયા અને ચીન સતત સાથે મળીને કામ કરી રહ્યા છે અને એવા પ્રસ્તાવોને આગળ ધપાવી રહ્યા છે, જેનાથી સભ્ય દેશો માટે આર્થિક તકો વધે. બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગથી G20 અને APEC જેવા મોટા આર્થિક મંચોના કામકાજમાં સકારાત્મક ફેરફારો આવ્યા છે.' રશિયાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, 'SCO સમિટ પછી સંગઠનને વધુ વેગ મળશે. તેનાથી વર્તમાન વૈશ્વિક પડકારો અને જોખમોનો વધુ સારી રીતે સામનો કરવાની ક્ષમતા વિકસિત થશે અને યુરેશિયન ક્ષેત્રમાં એકતા મજબૂત થશે.' પુતિને એ પણ સંકેત આપ્યો કે, 'ચીન પ્રવાસ દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગની નવી તકો અને પહેલ પર વિગતવાર ચર્ચા કરશે. આ પહેલથી રશિયા અને ચીન બંનેના લોકોને ફાયદો થશે.' તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા અને ચીન પરસ્પર વેપારમાં અવરોધો ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.