કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ

August 30, 2025

કેરળના કન્નૂરમાં આજે સવારે એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. બીજી તરફ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ત્યાં હાજર વ્યક્તિના શરીરના ચીથરાં ઉડી ગયા હતા.  આ સમગ્ર મામસે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હશે. વિસ્ફોટ પછી આખુ મકાન કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું. આ વિસ્ફોટમાં પાડોસી ઘરોને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ફોરેન્સિક એક્સપર્ટસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણેઘાયલ અને મૃતક વ્યક્તિની હજુ સુધી ઓળખ નથી થઈ. જે ​​મકાનમાં વિસ્ફોટ થયો હતો તેના માલિકનું નામ કિઝારા ગોવિંદન છે. તેમણે તેને પય્યાનુરમાં સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવતા બે વ્યક્તિઓને ભાડે આપ્યું હતું. વિસ્ફોટ સમયે ઘરમાં કેટલા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી મળી.  તમને જણાવી દઈએ કે, કન્નૂર જિલ્લામાં અગાઉ પણ ગેરકાયદેસર બોમ્બ બનાવવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. એપ્રિલ 2024માં સત્તારુઢ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદીના એક કાર્યકર પનૂરમાં આ જ પ્રકારના એક દેશી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.