શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ અઠવાડિયાના પહેલા દિવસે જ સેન્સેક્સમાં એકઝાટકે 2000 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. ગત 79454.47 પોઇન્ટના ક્લોઝિંગ બાદ આજે સોમવારે સેન્સેક્સ સીધો 81470.01 પર પહોંચી ગયો હતો.   જ્યારે નિફ્ટીમાં પણ ધૂમ તેજીનો માહોલ જોવા મળ્યો અને રોકાણકારોને મોટો ફાયદો થયો. નિફ્ટીનું જૂનું ક્લોઝિંગ 24008.00 પોઈન્ટ પર હતું જે આજે સીધું 24607.70 પર ખુલ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્સ, એનટીપસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી. 

ઉલ્લેખનીય છે કે શેરબજારમાં ગત શુક્રવારે 1300થી વધુ પોઈન્ટનો કડાકો સહન કર્યો હતો જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જોકે શુક્રવારે જ દિવસ દરમિયાન ટ્રેડિંગમાં સેન્સેક્સમાં રિકવરી આવતા છેલ્લું ક્લોઝિંગ 880 પોઈન્ટનું રહ્યું હતું. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના અહેવાલ આવી જતાં આજે સોમવારે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ દેખાયો.