શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ

April 09, 2025

ભારતીય શેરબજાર વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે વોલેટાઈલ બન્યા છે. ગઈકાલે 1500 પોઈન્ટના સુધારા બાદ આજે ફરી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 124 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 554.02 પોઈન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 10.30 વાગ્યે 314.36 પોઈન્ટના ઘટાડે 73912.72 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 128.55 પોઈન્ટના ઘટાડે 22407.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં 0.25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરાયા બાદ સ્થાનિક શેરબજારમાં સુધારાની અપેક્ષા જોવા મળી છે. આગામી સમયમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે. જેના પગલે ધીમા ધોરણે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળી શકે છે. જો કે, ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલું ટ્રેડવૉર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ વર્તાઈ રહી છે. યુરોપના અન્ય દેશો પણ ટ્રેડવૉરમાં ભાગ લેવા સજ્જ બન્યા છે. જેને નજરઅંદાજ કરી શકાય નહીં. 

બીએસઈ ખાતે 10.32 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 3568 સ્ક્રિપ્સ પૈકી 1000 સુધારા તરફી અને 2355 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. આજે વધુ 138 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 46 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. બીજી તરફ 34 શેર 52 વીક હાઈ અને 118 શેરમાં અપર સર્કિટ વાગી છે. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવાની સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે. 

શેરબજારમાં આજે સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ નુકસાન સ્મોલકેપ અને મીડકેપમાં જોવા મળ્યું છે. જેમાં સ્મોલકેપ ઈન્ડેક્સ 696.80 પોઈન્ટ અને મીડકેપ 602 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. તદુપરાંત આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ કડાકો નોંધાયો છે.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે એફએમસીજી શેર્સમાં ખરીદીનું વલણ જોવા મળ્યું છે. ફુગાવામાં ઘટાડો અને વ્યાજદરોમાં પણ ઘટાડાને કારણે વપરાશ માગ વધવાના અંદાજ સાથે એફએમસીજી શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે. આજે ઈન્ડેક્સ 200 પોઈન્ટના (1.02 ટકા)ના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.