સેન્સેક્સમાં 707 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ત્રણ મહિના બાદ 24000 ક્રોસ, 265 શેરમાં અપર સર્કિટ

April 21, 2025

વિદેશી રોકાણકારોનું કમબેક અને બેન્કિંગ-ફાઈનાન્સ શેર્સમાં આકર્ષક તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ મહિના બાદ ક્રમશઃ 79000 અને 24000નું અત્યંત મહત્ત્વનું તેજીનું લેવલ પરત મેળવવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ આજે 707 પોઈન્ટ ઉછળી 79260.64ના લેવલે પહોંચ્યો હતો. જે 10.34 વાગ્યે 644.35 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી આજે 23949.15ના લેવલે ખૂલ્યા બાદ 24061.45 થયો હતો. જે 10.35 વાગ્યે 206.30 પોઈન્ટના ઉછાળે 24057.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50માં આજે 40 શેર 5 ટકા સુધી ઉછાળે કારોબાર થઈ રહ્યા હતા. જ્યારે 10માં 2.50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

એફઆઈઆઈએ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કમબેક કર્યું છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કુલ રૂ. 14670.14 કરોડની ખરીદી નોંધાવી છે. જેમાં બેન્કિંગ અને ફાઈનાન્સમાં રોકાણ વધતાં શેર્સમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના ભારત આગમનના કારણે ટેરિફ મુદ્દે સમાધાન તેમજ ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારો થવાની સંભાવના વધી છે.  જેની શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી છે.

શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના પગલે રોકાણકારોની મૂડીમાં આજે 4.5 લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈ માર્કેટ કેપ ગુરૂવારે 419.06 લાખ કરોડ સામે આજે વધી 424.10 લાખ કરોડ થયું છે.  265 શેરમાં અપર સર્કિટ વાગી છે. 74 શેર વર્ષની ટોચે પહોંચ્યા છે.

ખાનગી બેન્કોના મજબૂત ત્રિમાસિક પરિણામો. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સુધારો તેમજ આકર્ષક વેલ્યૂએશનના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સ શેર્સમાં તેજી જોવા મળી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.38 ટકા, યસ બેન્ક 4.75 ટકા, એક્સિસ બેન્ક 3.16 ટકા, એસબીઆઈનો શેર 3.00 ટકાના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. પાવર અને એનર્જી શેર્સમાં પણ ખરીદી વધતાં ઈન્ડેક્સ 1.86 ટકા 1.71 ટકા ઉછાળ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ 2.03 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો છે.