શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળી 78000 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ

April 17, 2025

વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળી 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 23700ની મજબૂત સાયકોલોજિકલ સપાટી પર પરત ફર્યો છે.

સેન્સેક્સ આજે નજીવા ઘટાડા સાથે ખૂલ્યા બાદ મોર્નિંગ સેશનમાં 1300 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બાદમાં 11 વાગ્યાથી માર્કેટમાં સતત સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સેશનમાં 1015 પોઈન્ટના ઉછળી 78060ની ટોચે પહોંચ્યો હતો. 12.48 વાગ્યે 1027.93 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ.  3 લાખ કરોડ વધી હતી. 12.59 વાગ્યા આસપાસ 1128.79 પોઈન્ટ કુદી 78173.08ના હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીએ પણ આજની શરૂઆત નરમ વલણ સાથે કરી હતી. જે બાદમાં 250થી વધુ પોઈન્ટ ઉછળી 23700ની અત્યંત મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 12.49 વાગ્યે 294.30 પોઈન્ટના ઉછાળે 23731.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50માં ટ્રેડેડ 42 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 8 શેર રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં વધુ 0.50 ટકા ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી વધી છે. બીએસઈ બેન્કેક્સ 1283.62 પોઈન્ટ (2.07 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસીબેન્ક, એક્સિસ બેન્કના શેરોમાં વોલ્યૂમ વધતાં બેન્કેક્સ આજે 62076.85ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ટેલિકોમ શેર્સમાં પણ ખરીદી વધી છે. બીએસઈ ખાતે ટેલિકોમ ઈન્ડેક્સ 2.35 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.