અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર

December 13, 2024

હૈદરાબાદ : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનીફિલ્મ પુષ્પા-2 ધ રૂલ દેશના તમામ સિનેમાઘરોમાં ધૂમ ચાવી રહી છે. બીજીતરફ હૈદરાબાદમાં ફિલ્મની સ્ક્રીનિંગ વખતે એક મહિલા ચાહકનું મોત નિપજવાના કેસમાં અલ્લુની ધરપકડ કરવામાં આવતા તેના ચાહકો ખૂબ નિરાશ થયા છે. મોત મામલે ફિલ્મ સાથે સંકળાયેલા અનેક લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસે આજે અલ્લુને કસ્ટડીમાં લીધો છે. હવે આ મામલે મૃતક મહિલના પતિનું નિવેદન સામે આવ્યું છે.


પોલીસે અલ્લુને કસ્ટડીમાં લીધા બાદ મૃતક મહિલાના પતિ ભાસ્કરે કહ્યું કે, આમાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી. હું કેસ પરત ખેંચવા માટે તૈયાર છું. વાસ્તવમાં અભિનેતા અલ્લુ અર્જુન સુરક્ષા કર્મચારીઓ સાથે હૈદરાબાદની સંધ્યા ટોકીઝમાં ફિલ્મ પુષ્પા-2ની રિલીઝની પૂર્વસંધ્યાએ પહોંચ્યા હતા. તેમણે પોલીસને પણ જાણ કરી ન હતી. ટોકીઝમાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુનની સાથે સેંકડો ચાહકોની ભીડ ટોકીઝમાં ઘૂસી હતી. આ દરમિયાન નાસભાગ મચી અને તેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના બાળકની સારવાર ચાલી રહી છે. 


અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 દેશભરના તમામ થિયેટરોમાં પાંચમી ડિસેમ્બરે રિલિઝ થઈ છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે. અનેક ચાહકો અલ્લુ સહિત તેની ટીમના વખાણ કરી રહ્યા છે. બીજીતરફ હૈદરાબાદમાં પુષ્પા-2ના પ્રીમિયર વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના સામે આવતા અલ્લુ અર્જુને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે વીડિયો જાહેર કરીને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની મદદ કરવાની વાત કહી હતી.