ગુજરાતમાં પેટાચૂંટણી જાહેર છતાં વિસાવદરની બેઠક પર ચૂંટણી નહીં યોજાય

October 15, 2024

જૂનાગઢ : ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને જાહેરાત કરી છે. તેવામાં છેલ્લા એક વર્ષથી ખાલી પડી રહેલી જૂનાગઢની વિસાવદર બેઠકને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરી ન હતી. 
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીના વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAP અને ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. જો કે, સમગ્ર મામલો હાઇકોર્ટમાં વિચારાધીન હોવાથી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. બીજી તરફ, આ બેઠકને લઈને ચૂંટણી પંચે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. 
જ્યારે સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયા જો અરજી પરત ખેંચે તો મામલો થાળે પડે એમ લાગે છે. આ અગાઉ લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જો કે ત્યારે પણ વિસાવદર બેઠકની જાહેરાત થઈ ન હતી..