બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત

November 30, 2025

ટ્રકે અનેક લોકોને કચડ્યા, ગુસ્સે થયેલા ટોડા અને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી

મોતિહારી- બિહારના મોતિહારીમાં કોટવાના ગામમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં પૂરઝડપે દોડી રહેલી ટ્રકે આઠથી વધુ બાઈક અને ઈ-રિક્ષાને ટક્કર મારી છે, જેમાં પાંચ લોકોના મોત અને એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઈને સ્થાનિક લોકો ગુસ્સે થતા પરિસ્થિતિ તંગ બની છે. લોકોએ પોલીસ સ્ટેશનના વડાથી લઈને ડીએસપી સુધીના અધિકારીઓ સાથે બોલાચાલી કરી છે. આ દુર્ઘટના બપોરે કોટવાના દીપઉ મોડ પાસે બની હતી. માહિતી મુજબ, આ સ્થળે દિલ્હી-કાઠમંડુ હાઈવે પાર કરવા માટે ડઝનબંધ બાઈક સવારો, ઈ-રિક્ષા અને રાહદારીઓ ઊભા હતા અને રસ્તો ખુલ્લો થવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે એક બેકાબૂ ટ્રક ડિવાઈડર તોડીને દોડી આવી હતી અને રસ્તો પાર કરવાના રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. રિપોર્ટ મુજબ, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી અને જોતજોતામાં હજારો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ ગુસ્સે થયેલા ટોળાએ દિલ્હી-કાઠમંડુ હાઈવે જામ કરી હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ડીએસપી સાથે લોકોની ઉગ્ર બોલાચાલી થઈ હતી.