ગુજરાતમાં AAPનો વધુ એક લાફા કાંડ: ઈસુદાન ગઢવીને સવાલ કરનારા યુવકને કાર્યકરે ઝાપટ મારી

August 05, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે (4 ઓગસ્ટ) મોરબીમાં 'ગુજરાત જોડો અભિયાન' હેઠળ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવકે કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જોકે, આ પ્રશ્નથી ત્યાં હાજર આપના એક કાર્યકર્તા રોષે ભરાયા અને પ્રશ્ન કરનારને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ સભામાં ભારે હોબાળો થઈ ગયો હતો. મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી સભામાં ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક દિલ્હીમાં AAP સરકાર વિશે પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. તેણે માઇક હાથમાં લીધું અને દિલ્હીમાં AAPનું શાસન અને યમુના નદી વિશે સવાલ કર્યો. જોકે, આ દરમિયાન એક AAP કાર્યકર્તાએ માઇક છીનવી લીધું અને જાહેરમાં તેને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ ત્યાં ભારે હોબાળો થયો હતો. જોકે, થોડીવાર બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને બાદમાં ઈસુદાન ગઢવીએ યુવકના સવાલનો જવાબ પણ આપ્યો હતો. આપની જાહેરસભામાં યુવકે સવાલ કર્યો હતો કે, 'દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે. દસ વર્ષથી ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, તો તેમણે શું કર્યું છે? આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરતી નથી તેવું તમે કહો છો, તો તમારા નેતાઓને 12 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. જો તેઓ નિર્દોષ હતા, તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું? દિલ્હીમાં જે રીતે ઝૂંપડપટ્ટીઓ વસાવી છે, શું અહીં મોરબીમાં પણ એ જ રીતે ઝૂંપડપટ્ટી વસાવવામાં આવશે?' આ મામલે, વિવાદ શાંત થતા ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, 'યમુના નદીમાં જે ગંદકી આવે છે તે દિલ્હીની નથી, પરંતુ ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી આવે છે.     કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, યમુના કરતા પણ સાબરમતી નદી વધુ ગંદી છે.'