અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક

August 24, 2025

નક્સલવાદ ડામવા અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી

કેન્દ્ર સરકારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને ભારતીય-તિબેટિયન સીમા પોલીસ (ITBP)ના પૂર્વ ડિરેક્ટર જનરલ અનિશ દયાલ સિંહની નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિમણૂક કરી છે. સરકારે તમને દેશની આંતરિક બાબતો સંભાળવાની જવાબદારી સોંપી છે. અનિશ દયાલ સિંહ એક ભારતીય પોલીસ અધિકારી છે, તેમણે CRPFના ડિરેક્ટર જનરલ તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ ડિસેમ્બર-2024માં નિવૃત્ત થયા હતા. તેઓ 1988 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે અને મણિપુર કેડરના છે. CRPFના વડા બનતા પહેલા તેમણે ITBPના ડિરેક્ટર જનરલ તરીકે પણ ફરજ નિભાવી હતી.

તેમણે આઈટીબીપીમાં પદ સંભાળ્યું તે પહેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં લગભગ 30 વર્ષ સેવા આપી છે. પછી તેમણે તાજેતરમાં જ સીઆરપીએફમાં નેતૃત્વ સંભાળ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનેલા અનિશ દયાલ સિંહ જમ્મુ-કાશ્મીર, નક્સલવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સહિત દેશની આંતરિક બાબતોમાં પ્રભારીની જવાબદારી સંભાળશે. જ્યારે અનિશ દયાલ સીઆરપીએફમાં ડિરેક્ટર જનરલ હતા, ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન તેમણે નક્સલવાદને ડામવા માટે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાર નવી બટાલિયન શરૂ કરી હતી. આ ઉપરાંત તેમણે નક્સલવાદને ડામવા માટે પણ અનેક મહત્ત્વની કામગીરી કરી હતી.