રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજને ઝટકો, અમેરિકાએ વિઝા આપવા કર્યો ઈનકાર

August 14, 2024

અયોધ્યા : અયોધ્યાના રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારા પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વીઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. આ માટે અમેરિકાએ કોઈ ઠોસ કારણ પણ નથી જણાવ્યું. યોગીરાજને 12મી AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં સામેલ થવા માટે અમેરિકા જવાનું હતું. આ કોન્ફરન્સ 30 ઓગષ્ટથી એક સપ્ટેમ્બર વચ્ચે વર્જીનિયાના રિચમંડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાની હતી. 

અરુણ યોગીરાજના પરિવારે વિઝા ન મળવા પર નિરાશા વ્યક્ત કરી છે. કૌટુંબિક સૂત્રોનું કહેવું છે કે, અરુણની પત્ની વિજેતા અગાઉ પણ અમેરિકા જઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં અરુણને વિઝા આપવાનો ઈનકાર કરવો ખૂબ જ નિરાશાજનક છે. શિલ્પકાર અરુણે અમેરિકા જવા માટે તમામ તૈયારીઓ પણ પૂરી કરી લીધી હતી.

અરુણ યોગીરાજે પણ અમેરિકા દ્વારા વીઝા આપવાનો ઈનકાર કર્યો હોવાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે, મને કોઈ કારણ નથી ખબર પરંતુ અમે વિઝા સંબંધિત તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સનું વર્ષમાં બે વાર આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં રહેતા સમુદાયના સભ્યોને એક સ્થળે લાવવાનો છે.