કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: દેશમાં ડૉક્ટરની હડતાળ સમેટાઇ, સરકારે માંગો સ્વીકારી

August 13, 2024

કોલકાતા : કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા કેસ અંગે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશના ડોક્ટરો બે દિવસની હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ સરકાર સાથે વાતચીત થયા બાદ ડોક્ટરોએ મંગળવાર (13 ઓગસ્ટ) ની રાતે હડતાળ સમાપ્ત કરવાનું એલાન કર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે, ડોક્ટરોની બધી જ માંગો સ્વીકારવામાં આવી છે.
ધ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સે (FORDA) નિવેદન આપી જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ હડતાળ સમાપ્ત કરવાનું નિર્ણય લેવામાં આવ્યું છે. સરકારે અમારી તમામ માંગો સ્વીકારી છે. જેમાં મેડિકલ સ્ટાફ પર હુમલા કરવાના મામલે સેન્ટ્રલ હેલ્થકેર પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે. ફોર્ડાએ કહ્યું કે ફોર્ડા પણ સેન્ટ્રલ હેલ્થકેર પ્રોટેક્શન એક્ટનું ભાગ બનશે. 15 દિવસની અંદર તે કામ કરવાનું શરૂ કરશે

નેશનલ મેડિકલ કમિશને તમામ મેડિકલ કોલેજો અને સંસ્થાઓ માટે કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

1. હાલમાં જ મેડિકલ કોલેજોમાં ડોક્ટરો સામે હિંસાની ઘટનાઓ સામે આવી છે. તમામ મેડિકલ કોલેજોને અપીલ કરવામાં આવે છે કે કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં ફેકલ્ટી, મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો સહિત તમામ સ્ટાફ માટે સલામત કામનું વાતાવરણ ઊભું કરવામાં આવે. તેમજ   કેમ્પસ અને રહેણાંક ક્વાર્ટર્સમાં OPD, વોર્ડ, અકસ્માત, હોસ્ટેલ અને અન્ય ખુલ્લા વિસ્તારોમાં સુરક્ષાના પૂરતા પગલાં સુનિશ્ચિત કરવા જોઈએ. કર્મચારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત રીતે જઈ શકે તે માટે કોરિડોર અને પરિસરમાં સાંજે યોગ્ય પ્રમાણમાં રોશની હોવી જોઈએ. આ સિવાય મોનિટરિંગ માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ.

2. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં OPD, વોર્ડ, અકસ્માત, લેબર રૂમ, હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ અને અન્ય ખુલ્લા વિસ્તારોમાં પૂરતો સુરક્ષા સ્ટાફ (પુરુષ અને સ્ત્રી) તૈનાત કરવો જોઈએ. આ સાથે પૂરતા પ્રમાણમાં સુરક્ષાના પગલાઓ પૂરા પાડવા જોઈએ.

3. મેડિકલ વિદ્યાર્થીઓ સામે હિંસાની કોઈપણ ઘટનાની કોલેજ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ. પોલીસમાં FIR દાખલ થવી જોઈએ. હિંસાની કોઈપણ ઘટના અંગેનો વિગતવાર કાર્યવાહી રિપોર્ટ ફરજિયાતપણે નેશનલ મેડિકલ કમિશન (NMC) ને ઘટનાના 48 કલાકની અંદર મોકલવો જોઈએ.