સેન્સેક્સ 693 પોઈન્ટના ગાબડા સાથે બંધ, રોકાણકારોએ 4 લાખ કરોડ ગુમાવ્યા

August 13, 2024

ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ આજે 692.89 પોઈન્ટ તૂટી 78956.03 અને નિફ્ટી 61.50 પોઈન્ટ તૂટી 24285.50 પર બંધ રહ્યો છે. આ સાથે રોકાણકારોની મૂડી 4.43 લાખ કરોડ ગુમાવ્યા છે.

સેન્સેક્સ આજે મોર્નિંગ સેશનમાં ફ્લેટ ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે 759.54 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાઈટન 1.78 ટકા, એચસીએલ, નેસ્લે, સન ફાર્મા, રિલાયન્સ, ભારતી એરટેલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સિવાય 23 શેર્સ 3.46 ટકા સુધી ઘટાડે બંધ રહ્યા હતા. જેમાં ટોપ લૂઝર્સ એચડીએફસી બેન્ક (3.46 ટકા), બજાજ ફાઈનાન્સ (2.15 ટકા), ટાટા મોટર્સ (2.10 ટકા), ટાટા સ્ટીલ (2.07 ટકા અને એસબીઆઈ (1.93 ટકા) રહ્યા હતા.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય તમામ સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1.45 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપમાં મોટાપાયે વેચવાલીના પગલે ઈન્ડેક્સ 1.16 ટકા ઘટ્યો હતો. એસએમઈ આઈપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે મિક્સ સેન્ટિમેન્ટના પગલે સ્થાનિક શેરબજાર બીજા હાફમાં ઘટ્યા હતા. રિટેલ ફુગાવામાં ઘટાડો તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આઈઆઈપી ગ્રોથની સકારાત્મક અસરો હોવા છતાં વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટ તૂટ્યું હતું.