મહાકુંભમાં મુલાયમ સિંહની પ્રતિમા મૂકાતાં વિવાદ, સાધુ-સંતોએ હિન્દુ વિરોધી નેતાનો વિરોધ કર્યો

January 13, 2025

સંગમ નગરી પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં બનાવવામાં આવેલા એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમા મૂકાતાં વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદ સહિત અન્ય સંતોએ આ પ્રતિમાનો વિરોધ કરતાં કહ્યું છે કે, ‘હિન્દુઓની પવિત્ર આસ્થાના આ પર્વમાં હિન્દુ વિરોધી નેતાની પ્રતિમા હિન્દુઓનું અપમાન કરી રહી છે.’

પ્રતિમાની સ્થાપના પર અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, ‘મુલાયમ સિંહ યાદવ હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી વિચારધારા ધરાવે છે. મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ અમને એ ઘટના યાદ અપનાવવાનો છે કે, જેમાં તેમના લોકોએ હિન્દુઓની હત્યા કરી હતી.’

વધુમાં મહંતે જણાવ્યું હતું કે, 'અમને મુલાયમ સિંહ સાથે કોઈ વાંધો નથી. તે અમારા મુખ્યમંત્રી રહ્યા ચૂક્યા છે. પરંતુ આ પ્રતિમા સ્થાપિત કરીને તેઓ શું સંદેશ આપવા માગે છે. બધા જાણે છે કે, રામ મંદિર આંદોલનમાં તેમણે શું કર્યું હતું. તે હંમેશાથી હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસલમાનોના હિતેચ્છી રહ્યા છે.' જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે પણ મહંત રવિન્દ્ર પુરીના નિવેદનને  સમર્થન આપ્યું હતું. આજથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અત્યારસુધીમાં 60 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. જો કે, આ મહાકુંભ મેળામાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની મૂર્તિ મૂકતાં વિવાદ સર્જાયો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાન્ડેએ ગઈકાલે જણાવ્યું હતું કે, કુંભ પરિસરમાં મુલાયમ સિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થાને શનિવારે પૂર્વ મુખ્યમંત્રીની લગભગ બેથી ત્રણ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ શિબિરનો ઉદ્દેશ યાદવની વિચારધારાને પ્રોત્સાહન આપવાનું છે. તીર્થયાત્રીઓનું આ શિબિરમાં વિસામો અને ભોજન ગ્રહણ કરવા સ્વાગત છે. પ્રતિકાત્મક રૂપે મુલાયમ સિંહ યાદવની નાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહાકુંભ બાદ પ્રતિમાને પાર્ટીના કાર્યાલયમાં સ્થાપિત કરવામાં કરશે.