રૂ.12.52 લાખ કરોડ 'સ્વાહા', સેન્સેક્સ 1100 પોઈન્ટ ગબડતાં શેરમાર્કેટ કડડભૂસ

January 13, 2025

અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓ તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1129.19 પોઈન્ટ તૂટી 76249.72 થયો હતો. આ સાથે રોકાણકારોના 12.52 લાખ કરોડ ડૂબ્યાં છે. બીએસઈ ખાતે 700થી વધુ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 508 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. 

સેન્સેક્સ આજે અંતે 1048.90 પોઈન્ટ તૂટી 76330.01 પર અને નિફ્ટી 345.55 પોઈન્ટ તૂટી 23085.95 પર બંધ રહ્યો હતો. અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત નોંધાતા ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોલર સામે રૂપિયો પણ તળિયે ઝાટક થયો છે. વધુમાં વૈશ્વિક સ્તરે મોટાભાગના શેરબજારમાં ઘટાડાની અસર પણ સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

સ્મોલકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ હતી. પરિણામે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 2180.44 પોઈન્ટ તૂટ્યો હતો. ઈન્ડેક્સમાં સામેલ 938 શેર પૈકી 899 શેરમાં 20 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જ્યારે 39 શેર 8 ટકા સુધી સુધર્યા હતાં. મીડકેપ શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો છે. ઈન્ડેક્સ 4.17 ટકા (1845.18 પોઈન્ટ) તૂટ્યો છે. મીડકેપ સેગમેન્ટમાં ક્રિસિલ, બાયોકોન, આદિત્ય બિરલા કેપિટલ, સ્ટાર હેલ્થમાં 0.49 ટકાથી 2 ટકા સુધી સુધર્યા છે. જ્યારે અન્ય તમામમાં 10 ટકા સુધીનું ગાબડું નોંધાયું છે. 

શેરબજારમાં આજે રિયાલ્ટી શેર્સ ટોપ લૂઝર્સ રહ્યા હતા. ઈન્ડેક્સમાં સામેલ તમામ સ્ક્રિપ્સ 10 ટકા સુધી તૂટી હતી. આ સાથે બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 6.59 ટકા તૂટ્યો હતો. રિયાલ્ટી શેર્સમાં ગાબડું નોંધાવા પાછળનું કારણ લોનના ઊંચા દરો યથાવત રહેવાની શક્યતાઓ છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં મોંઘવારીમાં વધારો અને તેના કારણે વ્યાજના દરો યથાવત રહેવાની સંભાવના વધી છે. આ સિવાય પાવર ઈન્ડેક્સ 4.23 ટકા, ઓઈલ એન્ડ ગેસ 3.24 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.196 ટકા, કેપિટલ ગુડ્સ 3.58 ટકા, મેટલ 3.17 ટકા તૂટ્યો છે. 

આરબીઆઈ અને વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી 6.4 ટકા કરવામાં આવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો ગ્રોથ મંદ પડવાની સંભાવના વધી છે. ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં મોંઘવારી વધવાની ભીતિ પણ વધી છે. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓના કારણે ફેડ રેટ કટની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વધુમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. એફઆઈઆઈ નેટ વેચવાલ રહ્યા છે.