કોંગ્રેસની ત્રીજી ગેરેન્ટીની જાહેરાત, દિલ્હીના બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 8,500

January 12, 2025

દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી ગેરેન્ટીની જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાની આ ગેરેન્ટીને 'યુવા ઉડાન યોજના' નામ આપ્યું છે, જે હેઠળ બેરોજગાર શિક્ષિત યુવક-યુવતીઓને એક વર્ષના અપ્રેન્ટિસશિપ હેઠળ દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસની આ ગેરેન્ટીની જાહેરાત રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે કરી છે. આ યોજનાનું એલાન કરતા સચિન પાયલટે કહ્યું કે, 'આજે સ્વામી વિવેકાનંદની જયંતી છે. જેથી આ અવસરે અમે યુવાનો માટે પોતાની ત્રીજી ગેરેન્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. યુવાનોની પીડા સમગ્ર દેશમાં છે અને દિલ્હીમાં પણ એવી જ હાલત છે. ભાજપ અને આપ બંને યુવાનોની તકલીફ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં માત્ર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો છે, જેમાં દિલ્હી અને કેન્દ્ર સરકાર બંને સરકારો સામેલ છે. કોઈએ પણ દિલ્હીની સ્થિતિ નથી સમજી.'