મહાકુંભથી અર્થતંત્રને પણ વેગ મળશે, ભક્તો 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે તેવું અનુમાન

January 12, 2025

દિલ્હી : મહાકુંભ મેળો માનવ સંસ્કૃતિનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો માનવામાં આવે છે. મહાકુંભનું ફક્ત આધ્યાત્મિક મહત્ત્વ જ નથી, પરંતુ તેનો આર્થિક પ્રભાવ પણ અસાધારણ હોય છે. 2024ના મહાકુંભથી 4 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનું અનુમાન છે. જે ભારતની અર્થવ્યવસ્થાને મોટા પાયે વધારી શકે છે. આ આયોજન ન ફક્ત જીડીપીમાં 1 ટકાથી વધારે વૃદ્ધિ કરશે, પરંતુ સરકાર મહેસૂલને પણ નવી ઊંચાઈ પર લઈ જશે. ઉત્તર પ્રદેશ સરકારના અનુમાન અનુસાર, આ આયોજનમાં 40 કરોડથી વધારે ઘરેલુ અને આતંરરાષ્ટ્રીય મુલાકાતીઓ આવે તેવી આશા છે. જો પ્રત્યેક વ્યક્તિ આશરે 5 હજારથી 10 હજાર રૂપિયા ખર્ચ કરે છે, તો કુલ ખર્ચ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમાં આવાસ, પરિવહન, ખાણીપીણી, હસ્તશિલ્પ અને પર્યટન જેવા વિભિન્ન ક્ષેત્રને ફાયદો થશે. ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જીડીપીમાં વધારો થશે, જેમાં મહાકુંભમાં થયેલા ખર્ચનો પણ હિસ્સો હશે. મહાકુંભથી જીડીપીના આંકડામાં 1 ટકાથી વધારેની વૃદ્ધિનું અનુમાન છે. 2023-24માં ભારતનો જીડીપી 295.36 લાખ કરોડ રૂપિયા હતી. જે 2024-25માં 324.11 લાખ કરોડ રૂપિયા સુધી વધવાની આશંકા છે. આ વૃદ્ધિમાં મહાકુંભનું મહત્ત્વપૂર્ણ યોગદાન હશે.


સરકારનું કુલ આવક જેમાં જીએસટી, આવકવેરો અને અન્ય ઇનડાયરેક્ટ ટેક્સ સામેલ છે, તે 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ફક્ત જીએસટી સંગ્રહ 50 હજાર કરોડ રૂપિયાનો આંકડો અડી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ માટે 16 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ રોકાણ ઉચ્ચ રિટર્ન આપનારૂ સાબિત થઈ રહ્યું છે. જેનાથી સાંસ્કૃતિક અને આર્થિક બંને લાભ થઈ રહ્યા છે. મહાકુંભ જેવું આયોજન ભારતની અર્થવ્યવસ્થાના અદ્વિતીય માળખાને ઉજાગર કરે છે. જ્યાં સંસ્કૃતિ અને વાણિજ્યનો સંગમ થાય છે. ઐતિહાસિક રીતે, મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમોએ વેપાર, પર્યટન અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે. મહાકુંભ માત્ર આર્થિક સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક પુનઃજાગરણનું માધ્યમ બને છે.