અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા

January 13, 2025

સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે. હાલમાં સુરતના માનગઢ ચોકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધરણા પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના 40થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે 'અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોક ખાતે ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી.' 'ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિની ધરણાં કરવાના હતા. હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો અમને પરવાનગી આપવામાં નહી આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઇશું.'

આ પહેલાં રવિવારે સુરતના પાટીદાર વિસ્તારમાં રેલી અને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યા બાદ સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા વિસ્તારમાં અમ્હિલાઓએ ન્યાય માટે વડાપ્રધાનને પત્ર લખ્યા હતા. સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી છે. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટે તમામ સીસીટીવી તપાસ કરી યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ખુલાસો માગવામાં આવ્યો છે કે, દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી છે.

શું હતી સમગ્ર ઘટના?

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.