મહાકુંભ જઈ રહેલા કોંગ્રેસ ધારાસભ્યને નડ્યો અકસ્માત, પરિવાર અને ગાર્ડ સહિત સાત લોકો હતા સવાર

January 12, 2025

ભાટાપારા : મહાકુંભ જઈ રહેલા છત્તીસગઢના ભાટાપારાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્ર સાવની કાર સોનભદ્રના મ્યોરપુરમાં પાસે રોડ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન ધારાસભ્યનો આખો પરિવાર પણ કારમાં સવાર હતો. કારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ સહિત કુલ 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં સુરક્ષા ગાર્ડ અને ડ્રાઈવરનો સમાવેશ થતો હતો. જોકે, અકસ્માતમાં ધારાસભ્ય અને તેમના પરિવાર સહિત બધા સુરક્ષિત છે. જેમાં પરિવારના દરેક સભ્યોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. પરંતુ ધારાસભ્યની પત્નીને ખભામાં ભારે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઇન્દ્રા સાવને નડેલા આ અકસ્માતની માહિતી અંગે ભાટાપારા શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, તેમની કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચકઘાણ થઈ ગયો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભાટપારાના ધારાસભ્ય ઈન્દ્ર સાવ તેમના પરિવાર સાથે મહાકુંભમાં હાજરી આપવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. પરંતુ પ્રયાગરાજ પહોંચતા પહેલા મુર્ધવા-બીજાપુર રોડ પર નાધિરા વળાંક પાસે અકસ્માત થયો હતો.


મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય સહપરિવાર સાથે રવિવારે બલરામપુરથી પ્રયાગરાજ જવા રવાના થયા હતા. ત્યારબાદ સોનભદ્રમાં સવારે 7 વાગ્યાની આસપાસ એક ટ્રકે ધારાસભ્યની કારને ઓવરટેક કરતી વખતે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને CHC મ્યોરપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.