માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડશો તો મળશે 25000 રૂપિયાનું ઈનામ! ગડકરીનો પ્લાન

January 13, 2025

કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડનારા સેવાભાવીઓને બિરાદવતા ઈનામની રકમ વધારી રૂ. 25000 કરવાની જાહેરાત કરી છે. હાલ આ સેવાભાવી લોકોને રૂ. 5000 ઈનામ પેટે આપે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી.

નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડવા માટે મદદ કરનારાઓને સરકાર રૂ. 5000નું ઈનામ આપે છે. આ યોજના ઓક્ટોબર, 2021માં શરૂ કરવામાં આવી હતી. જેથી માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવા લોકોને પ્રોત્સાહન મળે. અકસ્માતનો એક કલાક ઈજાગ્રસ્તો  માટે ગોલ્ડન અવર ગણાય છે. જેમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. હવે અમે આ ઈનામની રકમ વધારી રૂ. 25000 કરવા જઈ રહ્યા છીએ. જેનો અમલ ટૂંકસમયમાં લાગુ કરાશે.'

વર્તમાન યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં પીડિતોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને રિવોર્ડ રકમની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ રિવોર્ડ યોગ્ય વ્યક્તિને મળે તે માટે અનેક સ્તરે વેરિફિકેશન કરવામાં આવે છે. હાલ, સરકારે કેટલા લોકોને આ પ્રકારના ઈનામ આપ્યા છે, તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

થોડા સમય પહેલાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ જાહેર કરી હતી. જે હેઠળ માર્ગ દુર્ઘટના પીડિતોને સાત દિવસની અંદર સારવાર કરવા માટે રૂ. 1.5 લાખ સુધીની આર્થિક સહાય મળે છે. માર્ગ અકસ્માતની જાણ 24 કલાકની અંદર પોલીસને કરવામાં આવે તો ઈજાગ્રસ્તને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળી શકે છે. 

માર્ગ અકસ્માતમાં છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.