શેરબજાર અચાનક ધડામ, સેન્સેક્સમાં 1100 તો નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુનો કડાકો

January 06, 2025

નવા વર્ષમાં શેરબજાર આકર્ષક ખૂલ્યા બાદ સપ્તાહની શરૂઆત નકારાત્મક રહી છે.  સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 1100થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિફ્ટી50 પણ 350થી વધુ પોઈન્ટ તૂટ્યું છે. ડોલર સામે રૂપિયો 5 પૈસા તૂટી વધુ નવી રેકોર્ડ 85.84ના તળિયે ટ્રેડ થઈ રહ્યો છે.

11.50 વાગ્યે નિફ્ટી 361 પોઈન્ટ તૂટી 23643.75 પર જ્યારે સેન્સેક્સ 1139.75 પોઈન્ટ તૂટી 78083.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, મેટલ, રિયાલ્ટી, પાવર શેર્સમાં મોટા ગાબડાં સાથે શેરબજાર કડડભૂસ થયા છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો તળિયે ઝાટક થયો છે. બીજી તરફ રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવ્યા છે. જેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર થઈ છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવશે, તેવો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ (VIX) 6 ટકા ઉછળ્યો છે.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બેન્કિંગ શેર્સમાં ગાબડું નોંધાયું છે. બેન્ક ઓફ બરોડા 5.30 ટકા, યસ બેન્ક 4.16 ટકા, કેનેરા બેન્ક 3.75 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એચડીએફસી બેન્કમાં મોટાપાયે વેચવાલી નોંધાયા વોલ્યૂમ ઘટ્યા છે. પરિણામે બેન્કેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 1400થી વધુ અને મીડકેપ 950 પોઈન્ટ તૂટ્યો છે. માર્કેટ નિષ્ણાતોના મતે, શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેેનો એક કેસ દેશમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, ડબ્લ્યૂએચઓ મુજબ વાયરસના કેસોમાં 2 જાન્યુઆરી સુધીમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી.