બિહારમાં વક્ફ બોર્ડની જમીનને લઈને નીતિશ સરકારનો મોટો નિર્ણય, NDAનું ટેન્શન વધશે!

August 13, 2024

બિહારમાં વક્ફ બોર્ડની જમીનને લઈને નીતિશ સરકારનો મોટો નિર્ણય લીધો છે. નીતીશ કુમાર સરકારે વક્ફની જમીન પર 21 નવા મદરેસા બનાવવાનું એલાન કર્યું છે. JDUના સીનિયર લીડર અને બિહાર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી ઝમા ખાને કહ્યું કે, લઘુમતી સમાજની રાજનીતિ કરનારા લોકો માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. આજે નીતિશ કુમારના નેતૃત્વમાં દરેક સમાજનો વિકાસ થયો છે અને આગળ પણ થતો રહેશે. નવા મદરેસામાં લોકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા હશે અને ફરીથી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

તાજેતરમાં જ JDU નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ)એ વક્ફ બિલ પર વિપક્ષની તમામ આશંકાઓને નકારી કાઢતા કેન્દ્રને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા માનનીય સભ્યોની વાત સાંભળી. JDU અહીં એક પાર્ટી છે. ઘણા માનનીય સભ્યોની વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે, વકફ બોર્ડના કાયદામાં લાવવામાં આવેલો આ સુધારો મુસ્લિમ વિરોધી છે. ક્યાંથી મુસ્લિમ વિરોધી છે? કોણ તેને મુસ્લિમ વિરોધી ગણાવે છે? અહીં ઉદાહરણ આપવામાં આવી રહ્યા છે કે, અયોધ્યા મંદિર, ગુરુદ્વારા, જો તમને મંદિર અને સંસ્થા વચ્ચેનો અંતર નજર નથી આવતો તો તમે કયો તર્ક આપી રહ્યા છો? આ કોઈ મંદિર નથી, તમારી મસ્જિદ સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો.