દરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ, પછી ભલે તે...: બાંગ્લાદેશ સંકટ વચ્ચે હિના ખાનની પોસ્ટ વાયરલ

August 13, 2024

ટેલિવિઝન સ્ટાર હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ વચ્ચે તે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ અને X પર સતત પોસ્ટ કરીને પોતાની હેલ્થ અપડેટ પણ આપતી રહે છે. હવે એક્ટ્રેસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલી હિંસા પર એક પોસ્ટ કરી છે. એક્ટ્રેસ હિના ખાને X પર પોસ્ટમાં લખ્યું કે, દરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ છે, પછી ભલે તે કોઈ પણ દેશ, જાતિ કે ધર્મનો હોય. કોઈપણ સમુદાયને આવા ભયાનક કૃત્યોમાંથી પસાર ન થવું જોઈએ, જે ખોટું છે તે ખોટું છે. કોઈપણ દેશના લઘુમતીઓનું રક્ષણ તેમના સામૂહિક સમુદાયના સ્વભાવનું પ્રતીક છે. વિશ્વભરમાં પીડિત દરેક વ્યક્તિ માટે મારી સંવેદના છે. કારણ કે, મારા માટે માનવતા સૌથી પહેલા છે. હું પ્રાર્થના કરું છું કે, બાંગ્લાદેશના હિન્દુ અને અન્ય લઘુમતીઓ પોતાના દેશમાં સુરક્ષિત રહે. એક બીજા ટ્વીટમાં તેણે પવિત્ર કુરાનની એક આયતનો હવાલો આપતા લખ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈને મારે છે તો તે આખી માનવ જાતિને મારી નાખવા સમાન છે અને જો કોઈ વ્યક્તિ કોઈનો જીવ બચાવે છે તો તે સંપૂર્ણ મનાવ જાતિને બચાવવા જેવું છે. હવે સોશિયલ મીડિયા પર લોકો હિના ખાનના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, હિના ખાન બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે તમારા સાહસી સમર્થન માટે આભાર. હિંસા વિરુદ્ધ તમારું વલણ અને લઘુમતીઓના રક્ષણ માટે તમારી હિમાયત, તમારા વ્યક્તિગત પડકારો વચ્ચે પણ, ન્યાય અને માનવતા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. એક બીજા યૂઝરે લખ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે અવાજ ઉઠાવવા બદલ આભાર.