બોલીવૂડના સેલ્ફ સ્ટાઈલ્ડ બોસ કરણ જોહરે ધર્મા પ્રોડક્શન કંપની વેચવા કાઢી

August 12, 2024

મુંબઈ: બોલીવૂડના જાતે બની બેઠેલા બોસ કરણ જોહરે પોતાની ધર્મા પ્રોડક્શન કંપની વેચવા કાઢી હોવાની ચર્ચા છે. તેણે કેટલીક કંપનીઓને ધર્મા પ્રોડક્શનમાં બહુમતી હિસ્સો ખરીદી લેવા ઓફર કરી હોવાનું કહેવાય છે. 
કરણ જોહરે છેલ્લાં કેટલાંય વર્ષોથી બોલીવૂડમાં જેને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કે સુપરડુપર હિટ કહેવાય તેવી ફિલ્મ આપી જ નથી. તે સારી વાર્તા કે સારી ફિલ્મને બદલે સ્ટારકિડ્ઝની કારકિર્દી બનાવવા પર જ ફોક્સ કર્યા કરે છે. વરુણ ધવન અને જાહ્વવી કપૂર જેવા સ્ટારકિડઝની કોઈ ફિલ્મ ટિકિટબારી પર ઉકાળી શકતી ન હોવા છતાં તેમને પ્રમોટ કર્યા કરે છે. આ માટે તે પબ્લિસિટીથી  અને માર્કેટિંગના તમામ ગતકડાં અપનાવતો હોવાનો તેના પર આક્ષેપ છે.  જોકે, કહેવાય છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં  તેની કંપનીએ ૨૭.૧૦ કરોડનો નફો કર્યો હતો તેની સામે ૨૦૨૩-૨૪માં તેનો નફો ઘટીને ૧૦.૭૦ કરોડનો થઈ ગયો છે. નફો અડધાથી પણ ઓછો થઈ જતાં કરણ જોહરે હવે પોતાની કંપનીમાં મેજોરિટી  સ્ટેકનો ગાળિયો અન્ય કોઈ કંપનીને પહેરાવી દેવાની હિલચાલ માંડી હોવાનું કહેવાય છે. કેટલાંક કોર્પોરેટ હાઉસ ઉપરાંત એક મોટી મ્યુઝિક કંપની પણ આ હિસ્સો ખરીદી લેવાની હોડમાં હોવાનું કહેવાય છે.