15 ઓગસ્ટના એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા, જ્હોન પછી અક્ષય ત્રીજા નંબરે

August 13, 2024

મુંબઇ : આગામી ૧૫મી ઓગસ્ટે શરુ થતા લોંગ વીક એન્ડમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી ટૂ', જ્હોન અબ્રાહમની 'વેદા' અને અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' એમ ત્રણ ફિલ્મોનો મુકાબલો છે. તેમાં હાલ એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા મોખરે અને અક્ષય કુમાર છેક ત્રીજા નંબરે ધકેલાયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સોમવારની સવાર સુધીમાં જ 'સ્ત્રી ટૂ'ની ૧.૨૭ લાખ ટિકિટસ વેચાઈ ગઈ હતી અને તેમે ૪.૨૦ કરોડનું એડવાન્સ બૂકિંગ કલેક્શન કરી લીધું છે. જ્હોન અબ્રાહમની 'વેદા' ૬૦૬૫ ટિકિટ સાથે તેનાથી ક્યાંય પાછળ છે અને તેનું આજ સુધીનું કલેક્શન ૧૮.૩૪ લાખ રુપિયા થયું છે. જ્યારે અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં'ની તો સોમવાર સવાર સુધીમાં ૨૨૧૫ જ ટિકિટ વેચાઈ છે અને તેનું કલેક્શન માંડ ૯.૩૦ લાખ પર પહોંચ્યું છે. અક્ષય હાલ ત્રીજા નંબરે છે. જોકે, બોક્સ ઓફિસના જાણકારોનું માનવું છે કે રીલિઝ સુધીમાં અક્ષય કુમાર જ્હોન અબ્રાહમને વટાવી શકે છે. અલબત્ત તે 'સ્ત્રી ટૂ ' કરતાં મોખરે નીકળી શકે તેવી શક્યતા ઘટી ગઈ છે.   ટ્રેડ વર્તુળોના મતે  ેશભરના ૫૦ ટકા સ્ક્રીન પર ફિલ્મ  'સ્ત્રી  ટૂ 'નો કબજો રહેવાનો છે. જ્યારે 'ખેલ ખેલ મેં' અને 'વેદા' વચ્ચે બાકીનાં ૫૦ ટકા  સ્ક્રીન વહેંચાઈ જશે. દેખીતી રીતે જ 'સ્ત્રી  ટૂ'ને તેના પહેલા ભાગની ગુડવિલનો લાભ મળી રહ્યો છે. અક્ષય કુમારે તેના વફાદાર ચાહકો ઉપરાંત માઉથ પબ્લિસિટી પર આધાર રાખવો પડશે.