રક્ષાબંધને 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ:19મીએ બપોરે 1:32 સુધી રાખડી બાંધી શકાશે નહીં, બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત

August 13, 2024

ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર તારીખ 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શુભકાર્ય નિષેધ માનવામાં આવે છે.

આ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 05:53 થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે. તેથી ભદ્રાની શરૂઆત પહેલાં અને અંત પછી રક્ષાસૂત્ર બાંધવું શુભ છે. તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર- શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે.

19 ઓગસ્ટ, સોમવારે બપોરે 02.00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે.

આ શુભ દિવસે 4 શુભ યોગ એકસાથે સર્જાઈ રહ્યા છે. આ વખતે રક્ષાબંધન સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઊજવાશે. આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદભુત સંયોગ પણ બની રહ્યો છે. જો કે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ રહેશે. રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 5:53થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે.

ભદ્રાનો પડછાયો પાતાળલોકથી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય. સવારે શ્રવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાના કારણે રાજપંચક યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય. ભદ્રાકાળમાં યજ્ઞોપવીત પણ બદલવામાં આવે છે. જેમા કોઈપણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી. આ દિવસે ઋગવેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોઈ ધારણ કરશે.

જ્યોતિષાચાર્ય ના જણાવ્યા અનુસાર ભદ્રા શનિદેવનાં બહેન છે અને ક્રૂર સ્વભાવનાં છે. ભદ્રાને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે. બધા જ જ્યોતિષીઓ ભદ્રાકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે. લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવાં જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે.

આપણે ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિનું મહત્ત્વ ખૂબ રહેલું છે જેનો હેતુ કાર્યમાં શુભ ઊર્જા વધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ પૂનમના દિવસે ભદ્રા ( વિષ્ટિ કરણ) ની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ ભદ્રા ( વિષ્ટિ કરણ) ની જ્યોતિષ ગણતરી મુજબ જો ભદ્રા જો વિપરીત (અશુભ અવસ્થા તેના નિયમ મુજબ ) હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા સૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં આવતું નથી

ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર, ભદ્ર કાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે. ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે. વૈદિક કેલેન્ડર મુજબ સમયની ગણતરીમાં ભદ્રાને વિશેષ માનવામાં આવે છે. તેમના કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ આપવામાં આવે છે.

વૈદિક પંચાંગ અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે. ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી. પુરાણો અનુસાર, એવું કહેવાય છે કે ભદ્રાના કઠોર સ્વભાવને નિયંત્રિત કરવા માટે, બ્રહ્માજીએ તેને કાળગણના કે પંચાગના એક મુખ્ય અંગ વિષ્ટી કરણમાં સ્થાન આપ્યું છે. ભદ્રા વિવિધ સ્થળોએ થાય છે. જ્યારે ભદ્રા મોઢામાં હોય છે, ત્યારે કામનો નાશ થવા લાગે છે. ભદ્રા ગળામાં બેઠી હોય તો ધનનો નાશ થાય છે. બીજી તરફ જો ભદ્રા હૃદયમાં બેઠી હોય તો જીવન નાશ પામે છે, પરંતુ જો ભદ્રા પૂંછડીમાં હોય તો ત્યાં કરેલા કાર્યમાં સફળતા મળે છે. આવી સ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભદ્રા કાલની સાથે ભદ્રાનું સ્થાન પણ જોવા મળે છે.

માન્યતા અનુસાર રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ ભદ્રા હતું. પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુર્પણખાએ ભદ્રાકાળમાં ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જે તેના વિનાશનું કારણ બની હતી. કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યો. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. અન્યથા તેના પરિણામો શુભ નથી. એટલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેમના લાંબા આયુષ્ય માટે, ભૂલથી પણ ભદ્રામાં રાખડી ન બાંધો.

જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે. ભદ્રા જે લોકમાં રહે છે ત્યાં તે અસરકારક છે. રક્ષાબંધનના સમયે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી ભદ્રા રહેશે. તેથી જ ભદ્રા પૂર્ણ થયા પછી જ રાખડી બાંધવી યોગ્ય રહેશે.


વિપ્ર રક્ષાસૂત્ર- રક્ષાબંધનના દિવસે કોઇ તીર્થ કે જળાશયમાં જઇને વૈદિક અનુષ્ઠાન પછી સિદ્ધ રક્ષાસૂત્રને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિવાચન કરીને યજમાનના જમણા હાથમાં બાંધવું શાસ્ત્રોમાં સર્વોચ્ચ રક્ષાસૂત્ર માનવામાં આવે છે.

ગુરૂ રક્ષાસૂત્ર- ગુરુ પોતાના શિષ્યના કલ્યાણ માટે શિષ્યના જમણાં હાથમાં બાંધે છે.

માતૃ-પિતૃ રક્ષાસૂત્ર- પોતાના સંતાનની રક્ષા માટે માતા-પિતા દ્વારા બાંધવામાં આવેલ રક્ષાસૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે.

સ્વસૃ રક્ષાસૂત્ર- કુળ પુરોહિત અથવા વેદપાઠી બ્રાહ્મણના રક્ષાસૂત્ર બાંધ્યા પછી બહેન ભાઈના જમણા હાથમાં મુશ્કેલીઓથી બચાવવા માટે રક્ષાસૂત્ર બાંધે છે. ભવિષ્ય પુરાણમાં તેના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગૌ રક્ષાસૂત્ર- અગસ્ત સંહિતા પ્રમાણે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના રોગ-શોક અને દોષ દૂર થાય છે. આ વિચાન પ્રાચીનકાળથી ચાલી રહ્યું છે.

વૃક્ષ રક્ષાસૂત્ર- કોઇને ભાઈ ન હોય તો તે વડ કે પીપળાના વૃક્ષને રાખડી બાંધી શકે છે. પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અશ્વરક્ષા સૂત્ર- જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે પહેલાં ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી. જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી. આજકાલ ઘોડાની જગ્યાએ ગાડીને રાખડી બાંધવામાં આવે છે.