શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ, સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલાયા

August 12, 2024

શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમનાથ મહાદેવના દ્વાર સવારે 4 કલાકે ખોલવામાં આવ્યા હતા. સોમવાર હોવાથી ભક્તોએ મહાદેવના દર્શન કરવા લાઈનો લગાવી હતી. સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોડી રાત્રથી જ ભક્તોને દર્શન માટેની લાંબી લાઈનો જોવા મળી હતી.

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરથી લઈને ઉત્તર ભારતના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાગતો દર્શન માટે આવતા હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા નીતિન પટેલ સાહિત દિગ્ગજ નેતાઓ પણ વહેલી સવારથી સોમનાથ ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.

સોમનાથ મહાદેવ દર્શનાર્થે આવેલા બિહારના મનોજકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું જામનગરમાં નોકરી કરું છું અને આજે સોમવારે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ આવ્યો છું. અહીં સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટે દર્શનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસની ન્યાય યાત્રા અને શિક્ષકોની ગેર હાજરી અંગે સૂચક નિવેદન આપ્યું હતું.